વૈશ્વિક લેન્ડસ્કેપની આ કોન્ક્લેવમાં નીતિ નિર્માતાઓ, શિક્ષકો, સંશોધકો અને હિતધારકોએ એક મંચ પર આવી જીવન અને વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા કરી
સુરત (ગુજરાત) [ભારત], : વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સુરતની ઓરો યુનિવર્સિટી દ્વારા C20 અંતર્ગત એજ્યુકેશન ફોર લાઈફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ પર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરવા માટે પ્રતિષ્ઠિત વક્તાઓ અને નિષ્ણાતોને એક મંચ પર આવ્યા હતા. તમામ વક્તાઓએ જવાબદાર વૈશ્વિક નાગરિકોને આકાર આપવા માટે પરિવર્તનશીલ શિક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
ઓરો યુનિવર્સીટી ખાતે 27મી મેના રોજ આયોજિત કોન્ક્લેવની શરૂઆત ગુરુ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ ઓરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું તમામને ચર્ચા માટે મંચ પર આમંત્રિત કાર્ય હતા. તેમણે ઓરો યુનિવર્સિટીના વિઝન અને શિક્ષણ, અધ્યયન અને જીવન પરિવર્તનના મુખ્ય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવાની સાથે નવી શિક્ષણ નીતિ અને તેના અમલીકરણ માટે યુનિવર્સિટીના પ્રયાસો અંગે જણાવ્યું હતું.
ઓરો યુનિવર્સિટીના કુલપતિ શ્રી એચપી રામાએ કોન્ક્લેવને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે શારીરિક, માનસિક, મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક પરિમાણોને સમાવિષ્ટ કરીને, સર્વગ્રાહી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પ્રણાલીમાં નમૂનારૂપ પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તન પ્રક્રિયામાં વિશ્વવિદ્યાલયોની મહત્વની ભૂમિકા વિશે પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત વિડિયો સંદેશ થકી અમ્માએ શ્રોતાઓ સમક્ષ આપણા જીવનમાં વહેંચણી અને કાળજી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ અમૃતા વિદ્યાપીઠમ ખાતે સંયોજક અને બહુપક્ષીય વ્યક્તિત્વ ધરાવતા ડૉ. પ્રેમા નેદુંગાડી જીએ જી – 20 ના લક્ષ્યો તરફ પ્રભાવી રીતે યોગદાન આપવા માટે C20 ની પેટા થીમ્સને પ્રાથમિકતા આપવા વિશે વાત કરી હતી. માતા અમૃતાનંદમયી કેન્દ્રની પહેલ વિશે કેદીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા થકી તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય તે ઉદાહરણ સાથે સમજાવ્યું હતું અને C20 ના વિવિધ લક્ષ્યોના મહત્વ અને સમાજ પર તેમની અસર વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પદ્મ ભૂષણ જેએનયુના ભૂતપૂર્વ પ્રો વાઇસ ચાન્સેલર અને કોન્ક્લેવના મુખ્ય અતિથિ પ્રો. કપિલ કપૂરે આધુનિક વિશ્વમાં ટેકનોલોજીની ભૂમિકા અને મહત્વ વિશે વાત કરી હતી. તેમણે આધુનિક શિક્ષણ અને જીવનની કેટલીક વિશેષતાઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં વ્યક્તિગતથી અવ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ, માણસથી મશીનમાં પરિવર્તન, ઘટતી જતી મૌખિક જ્ઞાન સંસ્કૃતિ અને સમાજમાં સંતોષની ખોટ વિશે વિચારો રજૂ કર્યા હતા.સાથે જ શિક્ષણના નેટીવાઇઝેશન, નેશનલ એજ્યુકેશન પોલિસી અને આ દિશામાં તેના પ્રયાસો અંગે પણ પોતાનો મંતવ્ય શેર કર્યા હતા. મહાભારતમાંથી પ્રેરણા લઈને, પ્રોફેસર કપૂરે જીવનમાં ધર્મના મહત્વને સમજાવવા પ્રસંગો રજૂ કરી પ્રેક્ષકોને ગહન સમજ આપી હતી.
જ્યારે વિદાય સમારંભના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભૂતપૂર્વ મહિલા આઇપીએસ ડૉ. કિરણ બેદીએ અભિન્ન શિક્ષણના મહત્વ વિશે માહિતી આપી હતી.
અંતે કોન્ક્લેવએ વિચારશીલ નેતાઓ, શિક્ષણવિદો અને નિષ્ણાતોને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર કરવાની તક પૂરી પાડી હતી અને સમાજની સુધારણા માટે ટકાઉ વિકાસની નવી પ્રતિબદ્ધતા સાથે કોન્કલેવનું સમાપન થયું હતું.